જાણો કેમ વેદોમાં જણાવેલ આ પાંચ ફરજો દરેક મનુષ્ય માટે સતત કરવી જોઈએ?

વેદોમાં જણાવેલ પાંચ ફરજો બધા મનુષ્ય માટે નિયમિત કરવી જોઈએ : મન મોહન કુમાર આર્ય. માણસ સંસારમાં આવે છે. તેમની માતા તેની પ્રથમ શિક્ષક હોય છે. તે માતા જે સારું અને યોગ્ય સમજે છે તે જ્ઞાન તે પોતાના સંતાનોને આપે છે. પ્રાચીન કાળમાં આપણી તમામ માતાઓ અને સમાજની સ્ત્રીઓ વૈદિક શિક્ષણમાં નિપુણ હોતી હતી. તેમને સત્ય અને અસત્ય જ્ઞાનનું ભાન હતું. તે ઈશ્વર, આત્મા, સંસાર અને મનુષ્યના કર્તવ્યો અને અકર્તવ્યોથી સારી રીતે પરિચિત હોતી હતી. મહાભારતના યુદ્ધ પછી ઋષિ પરંપરા સમાપ્ત થઈને દેશાંતરમાં અવિદ્યાનો અંધકાર ફેલાયો.

ન માત્ર સ્ત્રીઓ પરંતુ આપણા જ્ઞાની પંડિત વગેરે પણ વેદના સાચા શિક્ષણ અને જ્ઞાનથી વંચિત થઇ ગયા. તેવા સમયમાં દેશમાં અજ્ઞાન અને અંધવિશ્વાસ ઉભો થયો જેની સંપૂર્ણ અસર આખા વિશ્વ ઉપર પડી. મહાભારત પછી વેદોના અધ્યયન અને અધ્યાપનની પ્રાચીન પરંપરા બંધ થવાથી દેશ દેશાંતરના માણસ ઈશ્વરીય ગણાતા વેદોમાં જણાવેલા માણસના મુખ્ય પાંચ કર્તવ્યોને પણ ભૂલી ગયા.

તેના કારણે જ્ઞાનની દ્રષ્ટિએ સંસારનું પતન થયું, અને આખું વિશ્વ વેદજ્ઞાનની અનુપસ્થિતિમાં અવિદ્યા, અજ્ઞાન, અંધવિશ્વાસ, પાખંડ અને કુરીવાજોમાં ફસાઈ ગયું. ઈશ્વર અને આત્માના સાચા સ્વરૂપનું જ્ઞાન પણ ભુલાઈ ગયું હતું. ઈશ્વર, દેશ અને સમાજ પ્રત્યે કર્તવ્યો સહીત માણસને પોતાના પ્રત્યે કરવામાં આવતા કર્તવ્યો અને જ્ઞાન પ્રાપ્તિ, વેદાચરણ, પંચમહાયજ્ઞ વગેરેનું પણ જ્ઞાન રહ્યું ન હતું.

સ્વામી દયાનંદ સરસ્વતી (1825-1883) ને તેમના બાળપણમાં પોતાની ઉંમરના 14 માં વર્ષમાં મૂર્તિ પૂજા કરતા સમયે થોડી શંકા થઈ હતી. ઈશ્વરની મૂર્તિ બનાવીને પૂજા કરવાની પ્રચલિત પદ્ધતિ પ્રત્યે તર્ક અને યુક્તિઓ સાથે સંબંધિત કારણોનું જ્ઞાન અને સમાધાન તેમને પોતાના કોઈ કુટુંબીજનો અને વિદ્વાન પાસેથી પણ મળ્યું ન હતું. મૃત્યુના ભયે પણ તેમના મનમાં સ્થાન બનાવી લીધું હતું. તે પ્રશ્નોના તેમને કોઈની પાસેથી સંતોષકારક જવાબ ન મળ્યા, તો તે પોતાના પિતાના ઘરનો ત્યાગ કરી આ પ્રશ્નોના ઉત્તર પ્રાપ્ત કરવા માટે નીકળી પડ્યા. તે દેશ આખાના વિદ્વાનો, યોગીઓ અને સાધુ સન્યાસીઓને મળ્યા.

તેમણે તે તમામ વિદ્વાનોને પોતાની શંકાઓના સમાધાન પૂછ્યા હતા. તેવામાં તે ઉચ્ચ કોટીના યોગીઓના સંપર્કમાં આવીને યોગના તમામ અંગોને પણ સિદ્ધ કરવામાં સફળ થયા. યોગનો અંતિમ અંગ સમાધી હોય છે, જેમાં સર્વવ્યાપક, સર્વાન્તર્યામી, આખા જગતનો આધાર ઈશ્વરનો સાક્ષાત્કાર થાય છે. ઋષિ દયાનંદે સમાધી અવસ્થા પ્રાપ્ત કરી પોતાના આત્મામાં અને આત્મા દ્વારા ઈશ્વરનો સાક્ષાત્કાર અને પ્રત્યક્ષ અનુભવ પણ કરી લીધો હતો.

વિદ્યાની તીવ્ર ઈચ્છાને કારણે તે પ્રયત્ન કરતા કરતા વેદ વેદાંગોના વિદ્વાન પ્રજ્ઞાચક્ષુ ગુરુ સ્વામી વિરજાનંદજી પાસે આવ્યા. સ્વામી દયાનંદ સરસ્વતીએ ઈ.સ. 1860 થી ઈ.સ. 1863 સુધી લગભગ ત્રણ વર્ષ સુધી વેદ વેદાંગોનું અધ્યયન કર્યું. તેનાથી તેમને આધ્યાત્મિક અને ભૌતીક પદાર્થ વિદ્યાઓનું શુક્ષ્મજ્ઞાન થયું હતું, જેનાથી તેમની આત્માની તૃપ્તિ થઇ હતી.

સ્વામી દયાનંદે વેદો પ્રાપ્ત કરી તેની પરીક્ષા કરી અને પોતાની સત્યાન્વેષણ બુદ્ધીથી જાણ્યું કે ચાર વેદ ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ સૃષ્ટિની શરૂઆતમાં પરમાત્મા દ્વારા ચાર આદિ ઋષિ અગ્નિ, વાયુ, આદિત્ય અને અંગીરાને આપવામાં આવેલું અપૌરુષેય સત્ય જ્ઞાન છે. તેમણે પોતાના કર્તવ્ય ઉપર પણ વિચાર કર્યો હતો. વેદ દરેક માણસને વેદાધ્યયનની પ્રેરણા સહીત બીજા માણસમાં વેદ પ્રચારની પ્રેરણા પણ આપે છે. એમ કરવાથી જ સંસારમાંથી અજ્ઞાન અને અવિદ્યા દુર થઇ શકે છે.

સંસારમાં અવિદ્યાને અંધકારની અને વિદ્યાને પ્રકાશની ઉપમા આપવામાં આવે છે જે વસ્તુતઃ સત્ય જ છે. અજ્ઞાની માણસનું જીવન નિષ્ફળ રહે છે. જ્ઞાનથી વધીને સંસારમાં કોઈ પદાર્થ, ધન અને સંપત્તિ નથી. જે કામ જ્ઞાનથી થાય છે તે ધન સંપત્તિથી નથી થઇ શકતું. શાસ્ત્રોની સત્ય માન્યતા છે કે, જે સુખ અને આનંદ એક ધાર્મિક વેદજ્ઞાની અને સત્યનું જ્ઞાન ધરાવતા માણસને પ્રાપ્ત થાય છે, તે બીજા અલ્પજ્ઞાની અને અજ્ઞાની માણસને પ્રાપ્ત થતું નથી.

ઋષિ દયાનંદે પોતાના ગુરુ સ્વામી વિરજાનંદ અને પોતાની અંતઃ પ્રેરણાથી સંસારમાંથી અવિદ્યા અંધકાર દુર કરવા અને વિદ્યાનો પ્રસાર કરવા માટે વેદ પ્રચારનું કામ પસંદ કર્યું હતું. તેમણે પોતાના મૃત્યુ સુધી આ કાર્યને પૂરી નિર્ભયતા અને અપૂર્વ રૂપમાં પૂરું કર્યું હતું. તેમના વેદ પ્રચારના કાર્યોને લીધે જ દેશમાં અવિદ્યા દુર થઇ અને ઓછી થઇ છે. દેશ વિદ્યાના ક્ષેત્રમાં ઉપર આવ્યું.

વેદ જ્ઞાનને કારણે વર્તમાન સમયમાં આપણો દેશ આદ્યાત્મિક દ્રષ્ટિએ વિશ્વ ગુરુના પ્રાચીન ઉચ્ચ આસન ઉપર પ્રતિષ્ઠિત થયો છે. ઋષિ દયાનંદે જ વેદો સહીત વેદિક ધર્મ અને સંસ્કૃતિનો પુનરુદ્ધાર કર્યો છે. ઋષિ દયાનંદના પ્રયત્નોથી જ વેદિક ધર્મનું રક્ષણ થઇ શક્યું છે. આજે ધર્મ અને સંસ્કૃતિ ઉપર સંકટ અને જે જોખમ જોવા મળી રહ્યું છે, તેનું સમાઘાન પણ વિશ્વમાં વેદ જ્ઞાનના પ્રચાર પ્રસારથી જ થઇ શકે છે અને થશે.

વેદ અને વેદના ઋષિઓ દ્વારા પ્રણિત શાસ્ત્રો અને ગ્રંથોના અધ્યયન કરવાથી જાણ થાય છે કે, સંસારના તમામ માણસના પાંચ મુખ્ય કર્તવ્ય છે જે તેણે દરરોજ કરવા જોઈએ. પ્રથમ કર્તવ્યને ઈશ્વર ઉપાસના, બ્રહ્મયજ્ઞ અને સંધ્યાના નામથી ઓળખવામાં આવે છે. તેના અંતર્ગત વેદાધ્યયનથી ઈશ્વરનું જ્ઞાન પ્રાપ્ત કરી આ સૃષ્ટિના રચયિતા અને પાલક પરમેશ્વરની તેમના સત્ય ગુણો, કર્મો અને સ્વભાવનું સ્મરણ કરીને તેનું ધ્યાન ધરે છે. તેને ઈશ્વરની ઉપાસના કહેવાય છે.

પરમાત્માએ જીવાત્માઓ અને માણસ વગેરે પ્રાણીઓ માટે જ આ સૃષ્ટિને બનાવી છે. તેમણે આપણને માનવ શરીર આપ્યું છે, અને આપણી જરૂરિયાતના તમામ પદાર્થો પણ તેમણે જ બનાવ્યા છે. ઈશ્વર જો સૃષ્ટિને ન બનાવે અને આપણને જન્મ ન આપે તો આપણે સુખો ભોગવી નથી શકતા. આપણને જે સુખ મળ્યું છે તેનું કારણ અને આધાર પરમાત્મા જ છે, બીજું કોઈ નહિ. એટલે કે આપણું કર્તવ્ય છે કે આપણે તેના સત્ય સ્વરૂપનું ધ્યાન રાખીને તેના પ્રત્યે કૃતજ્ઞતા અને તેનો આભાર વ્યક્ત કરીએ.

માણસનું બીજું કર્તવ્ય મુખ્યત્વે પોતાના પર્યાવરણને શુદ્ધ રાખવું અને શુદ્ધ કરવાનું હોય છે. આપણા કારણે જ વાયુ, જળ અને પૃથ્વી વગેરે પ્રદુષિત થાય છે અને વિકૃતિઓ પ્રાપ્ત કરે છે. તેને શુદ્ધ રાખવા માટે ઋષીઓએ દેવયજ્ઞ અગ્નિહોત્રની શોધ કરી. તેનાથી જ્ઞાન અને વિજ્ઞાનની પ્રગતી થાય છે. આ જ્ઞાન અને વિજ્ઞાનથી યુક્ત કાર્ય અને અનુષ્ઠાનથી વાયુ અને જળ વગેરે સહીત પર્યાવરણની શુદ્ધિ થાય છે. તેનાથી માણસ સ્વસ્થ અને નીરોગી રહે છે. તેના જ્ઞાન વિજ્ઞાનનો વિકાસ થાય છે. સન્ધ્યા અને દેવયજ્ઞને સવારે અને સાંજે કરવામાં આવે છે. ઋષિ દયાનંદે આ બંને યજ્ઞો કરવાની વિધિઓ લખીને આપણને આપી છે. આ વિધિઓનો આપણે લાભ ઉઠાવવો જોઈએ.

ત્રણ અન્ય મુખ્ય કર્તવ્ય પિતૃયજ્ઞ, અતિથીયજ્ઞ અને બલીવૈશ્વદેવયજ્ઞ હોય છે. પિતૃયજ્ઞમાં માતા-પિતા અને કુટુંબના વૃદ્ધજનોની સેવા કરવાની હોય છે. આપણે જયારે વૃદ્ધ થઈશું તો આપણને પણ સેવાની જરૂર પડશે. એટલા માટે તે સુંદર પરંપરા ઉભી કરવામાં આવી છે. અતિથી યજ્ઞમાં વિદ્વાન માણસની જે જનકલ્યાણની ભાવનાથી યુક્ત આપણા ઘરમાં આવે છે, તેની શ્રદ્ધાપૂર્વક સેવા અને સાક્ષાત્કાર કરવામાં આવે છે. બલીવિશ્વદેવ યજ્ઞમાં પરમાત્માના બનાવેલા પશુ પ્રાણીઓના પાલન-પોષણમાં મદદ કરવામાં આવે છે.

હંમેશા પશુ-પ્રાણીઓનું પાલન-પોષણ પરમાત્મા દ્વારા થાય છે, પરંતુ આપણે પણ આ નીસહાય પ્રાણીઓના રક્ષણ અને પાલન-પોષણમાં મદદ કરવી જોઈએ. આ પાંચ મુખ્ય કર્તવ્યોને પંચમહાયજ્ઞના નામથી ઓળખવામાં આવે છે. આપણે બધાએ આ પાંચ કર્તવ્યો અને યજ્ઞોના અનુષ્ઠાન કરવા જોઈએ. તે બધા માણસનો ધર્મ છે. તેનાથી આપણું જન્મ લેવાનું સાર્થક અને સફળ થાય છે. આપણી આદ્યાત્મિક અને શારીરિક પ્રગતી થાય છે અને જન્મ જન્માંતરોમાં આપણને સુખ પ્રાપ્ત થાય છે.

આ માહિતી ધ ઇન્ડિયા પોસ્ટ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

(નોંધ : આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી અને માન્યતાઓ ઉપર આધારિત છે. અમે તેની પુષ્ટિ નથી કરતા.)