તમને ઊંઘમાં આવતા સપના તમારા મનની સ્થિતિ જણાવે છે, જાણો અલગ અલગ સપનાના સંકેત વિષે.

સપનામાં ઉડવું કે સપનામાં સેલિબ્રિટીઓ સાથે ફરવા જવું એ તમારા અસલ જીવન વિષે આ બાબતો જણાવે છે.

તમને આવતા સપનાઓ પરથી તમારા મનની સ્થિતિ જાણો.

સિંગમંડ ફ્રોઈડ કહેતા કે સપના એક એવો ‘રોયલ રોડ’ છે જે તમને તમારા અર્ધજાગ્રત મનની ઈચ્છાઓ તરફ ઊંઘમાં દોરી જાય છે. આ ફ્રોઈડે ‘ડ્રિમ્સ ઇન્ટરપ્રિટેશન’ નામની બુક લખેલી. એમાં એણે 100 ઉપરાંત અલગ અલગ સપનાઓ પરથી માણસના મનની સ્થિતિ વિશે વિગતે લખેલું. એમાં એક આશ્ચર્ય લાગે એવી વાત ફ્રોઇડે કરી છે કે મોટાભાગના માણસોને અમુક સપનાઓ એકસરખા જ આવે છે. એ ઉદાહરણો વિગતે સમજીએ તો આપણાં મનની સ્થિતિ પણ કદાચ જાણી શકાય…

1) સપનામાં દાંત પડી જવા : આ એક સૌથી સામાન્ય સપનું છે, જે બતાવે છે કે માણસ પોતાના દેખાવ અને પ્રભાવ બાબતે અસલામતી અનુભવે છે. ઉપરાંત, એની આસપાસની દુનિયામાં આત્મવિશ્વાસથી પડકારોનો સામનો કરવામાં એ પાછો પડે છે. દાંતનું કામ ચાવવાનું છે, દાંત બ્રાહય દેખાવમાં મહત્વનો ભાગ ભજવે છે અને ખાસ તો જંગલી પ્રાણીઓ અને આદિમાનવો માટે દાંત અન્યો સામે રક્ષણનું કામ પણ કરતા. એટલે જ દાંત પડી જવાનું સપનું એ માણસનો ઓસરતો પ્રભાવ બતાવે છે.

2) ઊંચાઈએથી નીચે પડવું : આનો ઊંડો અર્થ એવો થાય છે કે તમારી જિંદગીમાં કંઈક અસામાન્ય ચડઉતરો ચાલી રહી છે. તમારે જિંદગીને નવેસરથી ઘડીને આનંદ કરવાની જરૂર છે. કાલ્પનિક ભયમાં જીવતા લોકોને આ સપનું આવતું હોય છે.

3) સપનામાં કોઈ તમારો પીછો કરી રહ્યું છે : જિંદગીમાં ઘણી બાબતોથી માણસ દૂર ભાગતો હોય છે. પ્રેમ, સંબંધો કે જીવનના અન્ય વાસ્તવિક પડકારો. ફ્રોઇડ કહે છે કે તમે અમુક પડકારોથી જાગતા દૂર ભાગતા હો તો એ પડકારો સપનામાં તમારો પીછો કરે જ છે.

4) મ-રુ ત્યુ : ઘણા માણસોને રૂટિન જિંદગીમાં પરિવર્તન લાવવું ગમતું નથી. એમને પરિવર્તનનો સતત ભય રહેતો હોય છે. મ-રુ ત્યુ પછી શું થશે એ માણસ જાણી શકતો નથી, મ-રી ગયા પછીની કલ્પનાઓથી માણસ ડરતો હોય છે. આ જ રીતે પરિવર્તન પછીની જીંદગી કેવી હશે એ પણ આત્મવિશ્વાસથી કહેવું અઘરું છે. બદલાવના ડરથી બીતા લોકોને સપનામાં મ-રુ ત્યુ દેખાય છે.

5) સપનામાં વિશ્વાસઘાત અનુભવવો : આ સપનું કહે છે કે તમારા અંગત સંબંધો જેવા કે પતિ-પત્ની, પ્રેયસી કે અંગત દોસ્તો સાથે તમને વફાદારીમાં શંકા રહે છે. અમુક ઊંડા સંબંધોમાં પરસ્પર વિશ્વાસ અને કમ્યુનિકેશનનો અભાવ હોય ત્યારે આ પ્રકારના સપનાઓ આવતા હોય છે.

6) સપનામાં ઉડવું : ફિલ્મી ગીતોની જેમ જ આ સપનું માણસની પોઝિટિવિટી અને આઝાદ મનોવૃત્તિનું પ્રતીક છે. નવા પ્રેમમાં પડેલા માણસો કે નવા નવા સફળ થયેલા આત્મવિશ્વાસથી છલોછલ યુવાનોને આ સપનું આવે છે.

7) સ્કૂલમાં જઈને પરીક્ષાઓ આપવી : માણસ જ્યારે પોતાના કરિયરમાં આગળ વધીને સફળ થવાના સપનાઓ જોતો હોય ત્યારે આ સપનું સ્વભાવિક જ આવે છે. પરીક્ષા એ તૈયારીનું પરિણામ છે, એટલે સપનામાં આવતી સ્કૂલની પરીક્ષાઓમાં તમે કેવું અનુભવો છો એ પરથી કરિયરમાં આગળ વધવાનો કે સફળ થવાનો તમારો આત્મવિશ્વાસ નક્કી કરી શકાય છે.

8) સેલિબ્રિટીઓ સાથે ફરવા જવું : ઘણા સેલિબ્રિટીઓથી યુવાનો ઈમ્પ્રેસ હોય છે. આપણે એ સેલિબ્રિટી જેવા બનવું હોય છે. ઉપરાંત, કંઈક એ સેલિબ્રિટીમાં એવું તત્વ હશે જે બિલકુલ તમારામાં પણ હોય જ છે. આ કોમન તત્વને તમે જાણતા હો અને એ જ આવડતને આધારે તમારે જે તે સેલિબ્રિટી જેવી જ નામના મેળવવી હોય ત્યારે એ સેલિબ્રિટી સાથે ફરવા જવાનું સપનું આવે છે.

9) સપનામાં જંગલી પ્રાણીઓ : વાઘ, સિંહ, હાથી કે સાપ સપનામાં દેખાય તો એ પણ એક અવગણી ના શકાય એવી મનોસ્થિતિ છે. તમારા મનમાં એવી કોઈ ઈચ્છા કે લક્ષ્ય છે જે તમારી જિંદગી માટે ગમતું હોવા છતાં જોખમી સાબિત થઈ શકે એમ હશે. તમે એ જોખમો સમજતા હોવા છતાં તમારા મનમાંથી એ ઈચ્છાઓ દૂર કરી શકતા ન હો ત્યારે સપનામાં જંગલી પ્રાણીઓ દેખાય છે.

10) ઊંઘમાં પેરેલીસિસ થવું : આ એક અતિ સામાન્ય અને અતિ મહ્ત્વહનું સપનું છે. ઘણીવાર સપનામાં આપણો અવાજ બંધ થઈ જાય છે, પગ કે હાથ જકડાય જાય છે. આપણે હલી શકતા નથી કે બોલી શકતા નથી. આને ‘સ્લીપ પેરેલીસિસ’ કહેવાય છે. આ સપનું આવે ત્યારે ઉઠીને વિચારવું કે એવી કઈ ઈચ્છા છે જે આપણે જગતના ડરથી દબાવીને બેઠા છીએ?

– Bhagirath Jogia (જાણીતા ઇન્ટરનેશનલ મેગેઝીન ‘હેલ્થલાઈન’માં સાઇકોએનેલિસ્ટ કેન્દ્રા ચેરીના એક લેખનો ભાવાનુવાદ.)