ભાઈના લગ્નમાં વધેલું ભોજન ફેંકવાની જગ્યાએ બહેને કર્યું આ કામ તો લોકોએ કરી સલામ.

સમાજને ઉપયોગી સંદેશ આપ્યો આ બહેને, ભાઈના લગ્નમાં વધેલા ભોજનનો કર્યો આવો ઉપયોગ.

ભારતમાં લગ્ન સમારોહ દરમિયાન ભોજનનો ઘણો બગાડ થાય છે. નાનું ફંક્શન હોય કે મોટો પ્રસંગ, હંમેશા લક્ષ્ય કરતાં વધુ ભોજન તૈયાર કરવામાં આવે છે. અને જ્યારે તે ભોજન વધે છે, ત્યારે તેને કચરામાં ફેંકી દેવામાં આવે છે. પણ કોલકાતાની એક મહિલાએ પોતાના ભાઈના લગ્નમાં વધેલા ભોજનને ફેંકવાને બદલે તેને જરૂરિયાતમંદોમાં વહેંચ્યો. શુભ પ્રસંગ માટે નવા કપડામાં તૈયારી થયેલી મહીલાને ગરીબોને ભોજન આપતી જોઇને લોકોએ સલામ કરી.

હકીકતમાં, 5 ડિસેમ્બરની રાત્રે 1 વાગ્યે કોલકાતાના રાણાઘાટ જંક્શન પર નવા કપડા પહેરેલી એક મહિલા ભોજન લઈને બેઠી અને કાગળની પ્લેટમાં એક પછી એક બધાને ભોજન આપવા લાગી. તેમાં દાળ, ભાત, શાક, રોટલી સહિત અન્ય ઘણી વાનગીઓનો સમાવેશ થયો હતો. વેડિંગ ફોટોગ્રાફર નીલાંજન મંડલે તે મહિલા દ્વારા વહેંચવામાં આવતા ભોજનને કેમેરામાં કેદ કર્યું. અને થોડા સમય પછી તેમના ફોટો અને વીડિયોને વેડિંગ ફોટોગ્રાફરના નામથી બનેલા ફેસબુક પેજ પર શેર કર્યા.

નીલાંજન મંડલે લખ્યું – પાપિયા પોતાના ભાઈના લગ્નમાં ગરીબોને ભોજન આપતી જોવા મળી. પાપિયાની દયાની ખૂબ પ્રશંસા થઈ રહી છે. ફેસબુક પર તેમના ફોટા પર લાઈક્સ અને કોમેન્ટ્સ સતત વધી રહી છે. સમાચાર લખવાના સમયે, તેમની ફેસબુક પોસ્ટને 1,200 થી વધુ લોકો દ્વારા પસંદ કરવામાં આવી છે અને સેંકડો કોમેન્ટ્સ પણ મળી છે. આ સિવાય ઘણા યુઝર્સે તેમની પોસ્ટને પોતાની વોલ પર શેર પણ કરી રહ્યા છે.

ફેસબુક પર અલગ અલગ કોમેન્ટ આવી રહી છે : ફેસબુક પર એક યુઝરે “મહાન કામ”, “મહાન કામ” અને “તમારા પર ગર્વ છે” એવું લખ્યું. અન્ય એક યુઝરે મહિલાની દયાની પ્રશંસા કરી અને કહ્યું કે, જો દરેકની માનસિકતા સમાન થઈ જાય તો સમાજ વધુ ઉત્તમ બની શકે છે.

જો લોકો આ મહિલા જેવા વિચાર રાખે તો અન્નનો બગાડ પણ નહિ થાય અને જરૂરિયાતમંદ લોકોનું પેટ પણ ભરાય. ફક્ત લગ્ન જ નહિ પણ અન્ય ઘણા પ્રસંગો પર પણ ભોજન વધે છે અને તેને કચરામાં ફેંકી દેવામાં આવે છે. પણ જો લોકો થોડો સમય કાઢીને તે ભોજનને આસપાસ રહેતા જરૂરિયાતમંદ લોકોમાં વહેંચે તો ગણું સારું કહેવાય.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.