આ ત્રણ રીતોથી બનાવી શકો છો ખસ્તા થેકુઆ, રેસિપી છે ખુબ સરળ

સૌથી સ્વાદિષ્ટ પકવાનો માંથી એક છે થેકુઆ, બનાવો આ ત્રણ સરળ રીતે. બિહાર અને ઉત્તર પ્રદેશના અમુક જીલ્લાઓમાં થેકુઆ (ઠેકુઆ) ઘણી પ્રસિદ્ધ વાનગી છે. તેને ખાસ કરીને છઠ્ઠના તહેવાર ઉપર બનાવવામાં આવે છે, પરંતુ ઠેકુઆ પ્રેમી તેને ક્યારે પણ ખાતા હોય છે. છઠ્ઠમાં પ્રસાદ તરીકે ઠેકુઆને રાખવામાં આવે છે.

આમ તો ઘણા લોકો પ્રસાદ માટે ઠેકુઆ માત્ર ગોળમાંથી બનાવવાનું પસંદ કરે છે. કેમ કે એવી માન્યતા છે કે ખાંડની સરખામણીમાં ગોળ શુદ્ધ હોય છે. પરંતુ ખાવામાં સ્વાદિષ્ટ અને ખસ્તા ઠેકુઆ હાલના દિવસોમાં દરેકની પસંદ બની ગયા છે. તહેવાર સિવાય પણ તમે તેને ક્યારે પણ, કોઈ પણ પ્રસંગ ઉપર બનાવી શકો છો. તેની ખાસ વાત એ છે કે, તેને લોટ સિવાય મેંદા કે પછી સોજીમાં પણ બનાવી શકાય છે. તમે ધારો તો તેમાં થોડા ડ્રાય ફ્રુટ પણ નાખી શકો છો, તે ઠેકુઆનો સ્વાદ ખુબ જ વધારી દે છે. આવો જાણીએ ઘરમાં કઈ કઈ રીતે તમે ખાસ્તા ઠેકુઆ બનાવી શકો છો.

લોટના ઠેકુઆ બનાવો : છઠ્ઠમાં મોટાભાગે ઘઉંના લોટના જ ઠેકુઆ બનાવે છે. તે બનાવવા માટે ઘણી વસ્તુની જરૂર પડે છે, જે ઘરમાં સરળતાથી મળી રહે છે.

સામગ્રી : 100 ગ્રામ ઘઉંનો લોટ, દેસી ઘી, રીફાઈંડ તેલ, પાણી, ખાંડ (સ્વાદ અનુસાર), ઈલાયચી, છીણેલું નારીયેલ, ડ્રાઈ ફ્રુટ્સ, વરીયાળી.

બનાવવાની રીત : ઠેકુઆ બનાવવા માટે સૌથી પહેલા તેના માટે તૈયારી કરી લો. તેના માટે મીડીયમ તાપ ઉપર 3 કપ પાણી ઉકાળી લો. ત્યાર પછી તેમાં ખાંડ ભેળવીને ચાસણી તૈયાર કરી લો. ચાસણી તૈયાર થઇ જાય એટલે ગેસ બંધ કરી દો. હવે તેમાં ઘી નાખો અને તેને ધીમે ધીમે હલાવતા રહો. જયારે તે સારી રીતે મિક્ષ થઇ જાય ત્યારે તેને એક વાસણમાં રાખીને ઠંડું થવા માટે મૂકી દો. હવે એક વાસણમાં લોટ, નારીયેલ, વરીયાળી, ઈલાયચી પાવડર અને ડ્રાઈ ફ્રુટ્સ નાખી દો. ત્યાર પછી તેમાં ચાસણી નાખીને તેને સારી રીતે ગુંદો. લોટ સોફ્ટ ન થવો જોઈએ થોડો કઠણ બાંધો.

લોટ બાંધી લીધા પછી હવે તેની નાની નાની લુઈઓ બનાવી લો. હવે સંચા ઉપર રાખીને તેની ઉપર ડીઝાઈન બનાવી લો. આ તૈયારી પૂરી થઇ ગયા પછી ગેસ ઉપર કડાઈ ચડાવો અને તેમાં તેલ નાખો. તેલ ગરમ થઇ ગયા પછી એક એક કરીને બધા ઠેકુઆ તેલમાં નાખી દો. જ્યાં સુધી તે ગોલ્ડન બ્રાઉન ન થઇ જાય ત્યાં સુધી તેને ડીપ ફ્રાઈ કરો. ધ્યાન રાખશો કે તેને ફ્રાઈ કરતી વખતે તાપ મીડીયમ રાખો જેથી તે સંપૂર્ણ રીતે પાકી જાય. આ રીતે તમે ઠેકુઆ બનાવી શકો છો.

મેંદાના ઠેકુઆ : મેંદાના ઠેકુઆ પણ એકદમ લોટની જેમ જ બને છે. તેમાં માત્ર લોટને બદલે મેંદો અને સોજીનો ઉપયોગ કરવામાં આવે છે. તેને તમે માત્ર અડધા કલાકની અંદર બનાવી શકો છો.

જરૂરી સામગ્રી : 200 ગ્રામ મેંદો, 50 ગ્રામ સોજી, ખાંડ (સ્વાદ અનુસાર), છીણેલા નારીયેલ, રીફાઈંડ તેલ, ઘી, વરીયાળી, ડાય ફ્રુટ્સ.

બનાવવાની રીત : તેને બનાવવા માટે સૌથી પહેલા ખાંડ નાખીને ચાસણી તૈયાર કરી લો. હવે તેને ઠંડું થવા માટે મૂકી દો. હવે મેંદામાં સોજી, ઘી અને બીજી વસ્તુઓ નાખીને સારી રીતે મિક્સ કરી લો. હવે મેંદાની ચાસણી અને એક કપ પાણીની મદદથી તેને ગુંદી લો. તે દરમિયાન તેને થોડો કઠણ ગુંદો. હવે ગેસ ઉપર કડાઈ ચડાવો અને તેમાં રીફાઈંડ તેલ નાખીને ગરમ થવા દો. તે દરમિયાન લુઈઓ બનાવીને સંચા ઉપર મૂકીને ઠેકુઆ તૈયાર કરી લો. કડાઈ ગરમ થઇ ગયા પછી એક એક કરીને કડાઈમાં ઠેકુઆ નાખતા રહો. તાપ મીડીયમ રાખો કેમ કે તે જલ્દી બળવા લાગે છે. તેને સારી રીતે તળો અને બ્રાઉન થાય એટલે તેને કાઢી લો. આ રીતે તમારા ખસ્તા મેંદાના ઠેકુઆ બની જશે.

લોટ અને ચોકરમાંથી બનાવો ખસ્તા ઠેકુઆ : લોટ સિવાય ચોકરના ઉપયોગથી પણ તમે ખસ્તા ઠેકુઆ બનાવી શકો છો. તે ખાવામાં સ્વાદિષ્ટ જ નહિ પરંતુ હેલ્દી પણ હોય છે. સાથે જ તમે તેને થોડા દિવસો સુધી રાખી પણ શકો છો.

જરૂરી સામગ્રી : લોટ, ચોકર, સોજી, ખજુરનો ગોળ, ઘી, રીફાઈંડ તેલ, ગોળ, ડ્રાઈ ફ્રુટ્સ, વરીયાળી, દૂધ.

બનાવવાની રીત : તેને બનાવવા માટે લોટ સોજી અને ચોકરને સારી રીતે મિક્સ કરી લો. તે ગુંદતા પહેલા ચાસણી તૈયાર કરી લો અને તેને ઠંડી થવા માટે મૂકી દો. હવે લોટ, સોજી, ચોકર, ડ્રાય ફ્રુટ્સ, ગોળની છીણ અને ખજુરનો ગોળ નાખો અને તેને સારી રીતે મિક્સ કરી લો. હવે તેને ચાસણી, દૂધ અને ઘી ની મદદથી ગુંદો. જયારે તે તૈયાર થઈ જાય તો તેની લુઈઓ બનાવીને સંચાની મદદથી ડીઝાઈન બનાવી લો. હવે ગેસ ઉપર કડાઈ ચડાવો અને તેમાં રીફાઈંડ તેલ નાખો. તેલ ગરમ થઇ જાય તો તેમાં એક એક કરીને ઠેકુઆ નાખીને તેને ડીપ ફ્રાઈ કરો. તે દરમિયાન તાપ મીડીયમ રાખો અને ઠેકુઆને પકવતા રહો. જયારે તે બ્રાઉન થઇ જાય તો તેને કાઢી લો.

આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.