જાણો નવાબોના શહેર લખનઉની શાન માનવામાં આવતી ગોમતી નદીની સ્ટોરી.

લખનઉ શહેરની વચ્ચે વહેતી ગોમતી નદીનો રામાયણ કાળ સાથે છે સંબંધ, જાણો તેના ઈતિહાસની રસપ્રદ વાતો.

આપણા દેશ ભારતમાં નદીઓનો ઈતિહાસ ખુબ રસપ્રદ છે. ન જાણે કેટલી પવિત્ર નદીઓ ભારતના દરેક ખૂણામાંથી નીકળીને બીજા ખૂણા સુધી વહે છે અને પોતાની પવિત્રતાની અનોખી કથાનું વર્ણન કરે છે. ગંગા, યમુના, ગોદાવરી જેવી પવિત્ર નદીઓની સ્ટોરી તો ન જાણે કેટલાય રહસ્યોને પોતાની અંદર સમાવીને બેઠી છે. આ નદીઓ સિવાય પણ ઘણી બધી નદીઓ દેશના અલગ અલગ ભાગોમાં વહે છે અને લોકોને પાણી પૂરું પાડે છે.

એવી જ નદીઓ માંથી એક નદી છે ગોમતી નદી. નવાબોના શહેર લખનઉની વચ્ચે વહેતી નદીને જો લખનઉની શાન કહેવામાં આવે તો ઓછું નહિ ગણાય. હકીકતમાં ઉગતા સૂર્યના રમણીય દ્રશ્યથી લઈને ડૂબતા સૂર્યની સુંદરતાનું વર્ણન કરતી આ ગોમતી નદીએ પોતાનામાં એક મોટો ઈતિહાસ સમાવેલો છે. જો તમે પણ આ નદીના ઈતિહાસની સ્ટોરી જાણવા માંગો છો તો આ લેખ વાંચો.

ક્યાંથી થાય છે ગોમતીની ઉત્પત્તિ? આ નદીનું ઉદ્દગમ સ્થાન માધવતાંડા, પીલીભીતમાં આવેલા ગોમત તાલથી થાય છે, એ કારણ છે કે પીલીભીતને ગોમતીના જન્મસ્થાન તરીકે પણ ઓળખવામાં આવે છે. ગોમતી નદી પવિત્ર અને પ્રાચીન ભારતીય નદીઓ માંથી એક છે, જે ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં પીલીભીતના ગોમત તાલથી નીકળીને લગભગ 960 કી.મી.ની લાંબી સફર પૂરી કરીને અનંતોગત્વા વારાણસીના કૈથ ક્ષેત્રમાં માર્કંડેય મહાદેવ મંદિર સામે ગંગા નદીમાં જઈને મળી જાય છે.

નદી પોતાના સ્ત્રોત માટે ભુજળ ઉપર ખુબ આધાર રાખે છે અને તેના કિનારા પાસે વધુ પડતા ખોદકામ કે કૃષિ ઉદ્દેશ્યો માટે ભૂજળનો ઉપયોગ કરવાથી તે નદી લગભગ સુકાઈ રહી છે.

15 શહેરો માટે મહત્વપૂર્ણ : અવધની સુંદરતાને પોતાનામાં સમાવેલી ગોમતી આદિ ગંગા આજે પોતાની ઉપનદીઓના માધ્યમથી ઉત્તર પ્રદેશના લગભગ 15 શહેરો માટે મહત્વપૂર્ણ બની છે. આ નદી લગભગ 15 શહેરોમાં પોતાનું જળ પ્રવાહિત કરે છે અને લોકોની જરૂરિયાતો પૂરી કરે છે.

વર્ષોથી ગોમતી નદી લગભગ 7500 વર્ગ ચોરસ મીટર ક્ષેત્રના રહેવાસી લોકોની પીવાના પાણી સંબંધીત જરૂરિયાતો પૂરી કરવા તથા કૃષિમાં યોગદાન આપીને પોતાની મહત્વની ભૂમિકા ભજવી રહી છે. પણ ધીમે ધીમે આ નદીનું જળ ઘણી જગ્યાઓ ઉપર લગભગ સુકાઈ ગયું છે જે આ નદીના અસ્તિત્વ ઉપર પ્રશ્ન ચિન્હ લગાવી રહ્યું છે.

રામાયણ કાળ સાથે જોડાયેલી છે આ સ્ટોરી : આ નદીનો ઈતિહાસ રામાયણ કાળ સાથે જોડાયેલો છે. પૌરાણીક કથાઓ મુજબ એવું માનવામાં આવે છે કે, વનવાસથી પાછા ફરતી વખતે પ્રભુ શ્રીરામે અયોધ્યામાં પ્રવેશ પહેલા સઈ નદી પાર કરી ગોમતીમાં સ્નાન કર્યું હતું. ગૌસ્વામી તુલસીદાસે રામચરિત માનસમાં પણ એ વાતનો ઉલ્લેખ કર્યો છે કે, ‘સઈ ઉતર ગોમતી નહાયે, ચૌથે દિવસ અવધપુર આયે.’ રામાયણ કાળ સાથે જોડાયેલી હોવાને કારણે ગોમતી નદીનો ઈતિહાસ વધુ રસપ્રદ બની જાય છે અને તેને અવધની પવિત્ર નદીઓ માંથી એક બનાવે છે.

ઉત્તરાખંડ સાથે પણ છે આ નદીનો સંબંધ : ગોમતી સરયુ નદીની એક સહાયક નદી છે. આ નદી ભારતના ઉત્તરાખંડના બૈજનાથ શહેરના ઉત્તર પશ્ચિમના ભટકોટના ઊંચા વિસ્તારોમાંથી નીકળે છે. તે બાગેશ્વરમાં સરયુને મળે છે, જે ફરી પંચેશ્વર તરફ આગળ વધે છે જ્યાં તે કાળી નદીમાં મળે છે. ગોમતી ખીણ જેને બૈજનાથના ક્ત્યુરી રાજાઓ પછી ક્ત્યુર ખીણના નામથી પણ ઓળખવામાં આવે છે, તે કુમાઉનું એક મુખ્ય કૃષિ ક્ષેત્ર છે. આ ખીણમાં આવેલા મુખ્ય શહેરોમાં ગરુર અને બૈજનાથ સામેલ છે.

નવાબોના શહેરમાં વહેતી મુખ્ય નદી : દેશની સૌથી વધુ વસ્તી વાળા રાજ્ય ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉ ભારતના સૌથી વધુ પ્રસિદ્ધ શહેરો માંથી એક છે. નવાબોની આન, બાન અને શાન માટે ઓળખાતું શહેર લખનઉ જ્યાં એક તરફ પોતાની શાન માટે ઓળખાય છે, તો આ શહેરની ઓળખ તેમાં વહેતી ગોમતી નદી પણ છે.

લખનઉના મોટા ઈમામબાડાની ભૂલબુલમણી હોય કે પછી નાના ઈમામબાડા, રૂમી દરવાજા, છતર મંજીલ, રેજીડેન્સી, બારાદરી, દિલકુશા, શાહનજફ ઈમામબાડા જેવી ઘણી ઐતિહાસિક જગ્યાઓ હોય આ નદીના કિનારે જ વસેલી છે અને દરેક ક્ષણે આ નદીના કિનારે પોતાની આસપાસ પ્રવાસીઓને આકર્ષિત કરતી જોવા મળે છે.

તો આ હતી ગોમતી નદીની રસપ્રદ સ્ટોરી. હકીકતમાં આ નદી લખનઉ શહેરની શાન માનવામાં આવે છે જે તેને શહેરનો એક મુખ્ય ભાગ બનાવે છે.

આ માહિતી હરજિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.