25 વર્ષથી આ પોલીસ કર્મચારી મફત ખોરાકનું વિતરણ કરી રહ્યા છે, જાણો ગરીબોને ભોજન કરાવનાર દાતા વિષે.

ભારતમાં એવા ઘણા લોકો છે જે એક ટંકનું ભોજન પણ મેળવી નથી શકતા અને ભુખા પેટે સુવે છે. આવા લોકોની વાત સમજવાવાળા આ દુનિયામાં ઘણા ઓછા છે. પણ અમદાવાદમાં એક વ્યક્તિ એવા છે જેમણે ન ફક્ત આવા લોકોની વાત સમજી પણ તેમના માટે કાંઈ કરવાનો પ્રયત્ન કર્યો.

તેમનું નામ છે તરુણ બારોટ. તે એક રિટાયર્ડ ડીવાયએસપી છે. અને જે રીત એક પોલીસ કર્મચારી સમાજમાંથી ક્રાઇમ સાફ કરે છે, એજ રીતે તરુણ બારોટે આખી જિંદગી ક્રાઇમ તો સાફ કર્યા જ છે, પણ તેમણે સમાજમાંથી ભુખમરો સાફ કરવાનું બીડું પણ ઉપાડ્યું છે. તરુણ બારોટ અને તેમના પપ્પા 25 વર્ષથી લોકોને મફતમાં ભોજન આપવાની સેવા કરી રહ્યા છે. આવો જાણીએ શું છે સ્ટોરી અને તેમણે સદાવ્રત ભવન કેમ શરૂ કર્યું?

તરુણ બારોટ જણાવે છે કે, બાપુનગર વિસ્તાર એ આખો ગરીબોનો વિસ્તાર છે. અમે બાળપણથી જાણીએ છીએ કે અહીં લોકોને જમવાની તકલીફ પડે છે. અને મેં સર્વિસમાં કામ કર્યું ત્યારે તે જોયું પણ કે ઘણા લોકો એવા છે જેમને ખાવાનું નથી મળતું. પછી અમે નક્કી કર્યું છે કાંઈક કરવું જોઈએ. અમારા પપ્પા પણ સેવા કરતા હતા, તો અમે પણ સેવા કરવાનું શરૂ કર્યું.

મેં અને પપ્પાએ ભેગા મળીને નક્કી કર્યું કે સેવા કરવી છે. અહીં એક મંદિરની મોટી જગ્યા હતી. એ જગ્યા ખાલી હતી. તો મેં મંદિરવાળાને કહ્યું કે, અમે અહીં હોલ બનાવવા માંગીએ છીએ. અમે ભેગા મળીને હોલ બનાવ્યો. મારા મિત્રો અને સર્કલ વાળાએ પૈસા ભેગા કર્યા અને હોલ બનાવ્યો.

બધાને ખબર હતી કે અમે સેવા કરીએ છીએ, તો અમને જે વસ્તુની જરૂર હોય છે જેમ કે ઘઉં, ચોખા, લોટ, તેલ જેવી ખાવાની વસ્તુઓ તેઓ મોકલી આપે છે. જેટલું જોઈએ એટલું મોકલી આપે છે. અહીંયા 350 થી 400 લોકો જમે છે. અમે અહીં લોકો ભરપેટ ખાઈ શકે એટલું ખાવાનું આપીએ છીએ.

લોકડાઉન પહેલા અમે લોકોને અહીં બેસાડીને જ જમાડતા હતા. પણ એ પછી અમે લોકોને તેમના ઘરેથી વાસણ લાવવા કહીએ છીએ અને તેમાં જમવાનું ભરીને આપીએ છીએ. અમે તેમને પુરી, શાક, ખીચડી, કોઈ પણ એક મીઠાઈ અને પકોડા વગેરે આપીએ છીએ.

જયારે લોકડાઉન થયું હતું, ત્યારે લોકડાઉન 1, 2, 3 અને અનલોક 1 દરેક સમયે લોકોને ખવડાવ્યું, અમે લગભગ સાડા પાંચથી છ હજાર લોકોને ખાવાનું ખવડાવ્યું, છતાં પણ અહીં ક્યારેય તકલીફ નથી પડી.

ઘણા લોકો એવા હતા જે ખાવાનું લેવા આવતા ન હતા, એવા લોકોને અમે આઇડેન્ટીફાય કર્યા કે આવા કેટલા લોકો છે. તેમાં મિડલક્લાસના લોકો હતા જેમની પાસે ઘણી વખત પૈસા નહોતા. લોકડાઉનમાં રોજ પૈસા લાવીને રોજ ખાવું શક્ય ન હતું. એવા લોકોના નામ આઈડેન્ટિફાય કરીને અમે લોકોએ કીટ બનાવી. અમે લગભગ 200 કીટો વેચી છે (જુલાઈ 2021 સુધીમાં).

પહેલા નોકરી કરતા હતા ત્યારે પૈસા આવતા હતા તો તે આપતા હતા. હવે રીટાયર થયા તો પેંશન આવે છે, તો તેમાંથી થોડા ઘણા આમાં ખર્ચ કરીને ચલાવીએ છીએ. જિંદગીમાં એવું ન થાય કે કોઈ ભૂખ્યા પેટે સુવે અને ભૂખ્યા પેટે દુનિયા છોડી જતા રહે. એટલા માટે અમે આ કામ શરુ કર્યું. માણસો જે દોડાદોડી કરે છે ખાવા માટે જ કરે છે, બીજા કોઈ માટે કરતા નથી. તો પછી અમે વિચાર્યું કે અમે પણ સારું કામ કેમ ન કરીએ, એટલે આ સેવા કરીએ છીએ.

તરુણ બારોટ અને તેમના પિતાની આ સેવા પાછળ પ્રમુખસ્વામી મહારાજના ઘણા આશીર્વાદ રહ્યા છે. ગરીબ ભૂખ્યા માણસોને ભોજન કરાવવાની આમની સેવા પ્રવૃત્તિને જોઈને પ્રમુખસ્વામી મહારાજ ઘણા પ્રસન્ન થયા હતા. જેને આજે પણ તરુણ બારોટ અને તેમના પિતા નથી ભુલાવી શક્યા.

તેઓ જણાવે છે કે, હું પ્રમુખસ્વામી મહારાજને મળ્યો હતો. અને મારા પર તેમના આશીર્વાદ છે. મને કાંઈ પણ થતું હતું તો તે ફોન કરીને પૂછતાં હતા તને સારું છે?

તરુણ બારોટની વાતો પરથી એ સમજાય છે કે, જો કોઈને બીજાની મદદ કરવાની ઈચ્છા છે તો ઘણા બધા પૈસાની જરૂર નથી, સાફ મનની જરૂર છે. તરુણ બારોટે એવું પણ કહ્યું કે તેમના પર પ્રમુખસ્વામી મહારાજની ઘણી કૃપા છે.

પ્રમુખસ્વામી મહારાજ કહેતા હતા કે કોઈ ભૂખ્યાને ભોજન કરાવો તો તે ભગવાનને ભોજન કરાવવા બરાબર છે.

– વિશાલ ખંડેલવાલ.