ફક્ત માણસો જ નહિ પક્ષીઓમાં પણ થાય છે છૂટાછેડા, પક્ષીઓ પર થયેલી આ રિસર્ચ તમને ચકિત કરી દેશે.

પક્ષીઓમાં પણ થાય છે છૂટાછેડા, તેમના જીવનમાં પણ પતિ-પત્ની અને વો નો સીન જોવા મળે છે, જાણો અજાણી વાતો.

લગ્ન એ બે લોકોનું મિલન અને બે કુટુંબ વચ્ચેના સંબંધના ખુશનુમા જોડાણનો પ્રસંગ છે, તો છૂટાછેડા પતિ પત્ની અને બંને કુટુંબોના અલગ થવાની એક દુઃખદ ઘટના. છૂટાછેડાના ઘણા કેસોમાં પતિ અને પત્ની અંદરથી તૂટી જાય છે. ઘણી વખત પતિ અને પત્ની વચ્ચે કોઈ ત્રીજાની એન્ટ્રી બંને વચ્ચે છૂટાછેડાનું કારણ બને છે. બંનેના દાંપત્ય જીવનમાં ભૂકંપ આવવા પાછળ કૌટુંબિક, સામાજિક કે આર્થીક ઘણા પ્રકારના કારણો હોઈ શકે છે. આજે આપણે તે કારણો ઉપર ચર્ચા નથી કરવાના. આજે આપણે માણસોના નહિ પણ પક્ષીઓના છૂટાછેડા વિષે વાત કરવાના છીએ.

શું તમે જાણો છો કે, માણસની જેમ પક્ષીઓ વચ્ચે પણ છૂટાછેડા થાય છે? આ વાંચવામાં વિચિત્ર લાગી રહ્યું હોય, પણ પક્ષીઓમાં પણ પતિ, પત્ની અને વો નો સીન હોય છે. માણસની જેમ તેમની વચ્ચે પણ છૂટાછેડાના ઘણા બીજા કારણો હોય છે. તમને આ બધું વાંચવામાં ઘણું વિચિત્ર લાગી રહ્યું હશે પણ આ વાત રિસર્ચમાં સામે આવી છે. તો આવો તેના વિષે વિસ્તારથી જાણીએ.

ક્યાંક જીવનભરનો સાથ તો ક્યાંક છૂટાછેડા : રિસર્ચ જણાવે છે કે પક્ષીઓની ઘણી એવી પ્રજાતિઓ હોય છે, જે પોતાના જીવનસાથી સાથે આખું જીવન પસાર કરી દે છે. પણ ઘણી પ્રજાતિના પક્ષીઓ વચ્ચે આખું જીવન સાથે પસાર કરવાવાળો કોઈ સીન નથી હોતો. તેમની વચ્ચે છૂટાછેડા પણ થાય છે.

ઘણા બધા પક્ષી પોતાના પાર્ટનરને એકલા છોડીને જતા રહે છે. તેમનો પોતાના પાર્ટનર સાથે ઝગડો થઇ જાય. અને તેમને અન્ય સારા સાથી મળી જાય તો તે છૂટાછેડા લેવામાં મોડું નથી કરતા. માણસની જેમ જ કેટલાક પક્ષીઓના જીવનમાં પણ એકથી વધુ પાર્ટનર હોય છે અને તે ઘણા સંબંધ રાખવાના શોખીન હોય છે.

4 દશકની શોધમાં સામે આવી ઘણી નવીન વાતો : થોડા વર્ષ પહેલા અલીગઢ મુસ્લિમ યુનિવર્સીટીના વાઈલ્ડ લાઈફ વિભાગના પ્રો. એચએસએ યાહયાએ ઉર્દુમાં એક પુસ્તક લખ્યું હતું. ગર્દ-ઓ-પેશ નામના પોતાના 11 માં પુસ્તકમાં તેમણે પક્ષીઓ વચ્ચે સુધરતા – બગડતા સંબંધો સાથે જોડાયેલા કેટલાક તથ્યો રજુ કર્યા. તેની પાછળ તેમની 4 દશકની રિસર્ચ હતી. પ્રો. યાહયા 40 વર્ષથી વધુ સમયથી પક્ષીઓ ઉપર શોધ કરી રહ્યા છે.

આ પુસ્તકમાં તેમણે ઘણા નવા તથ્યો રજુ કર્યા છે. પ્રો. યાહયા રિસર્ચ માટે કેલીફોર્નીયા, સ્કોટલૅન્ડ, સાઉદી અરબ અને બીજા ઘણા દેશોમાં જઈ ચુક્યા છે. ખાસ કરીને વારબેટ પ્રજાતિના પક્ષીઓ, ખરમોર, સફેદ પાંખ વાળા બતક વગેરે ઉપર તેમણે ઊંડી શોધ કરી છે.

વધુ સારો નર મળી જાય તો સુગરી છોડી દે છે સાથી : પ્રો. યાહયાની રિસર્ચ મુજબ, સુગરી પક્ષી સૌથી વધુ જોડી બનાવે છે. નર સુગરી જયારે માળો બનાવે છે તો તેને અધુરો છોડી દે છે. પછી બાકીનો માળો જોડી બન્યા પછી નર અને માદા બંને મળીને બનાવે છે. પોતાના માળામાં બંને સાથે રહે છે. પણ એક તથ્ય એ છે કે, જયારે માદા સુગરીને તેના સાથી કરતા સારો નર મળી જાય છે, તો તે તેની સાથે જતી રહે છે અને પહેલા વાળાને છોડી દે છે.

ઢેલને પોતાની અદાઓથી મનાવે છે મોર : આપણા રાષ્ટ્રીય પક્ષી મોરની વાત પણ અલગ છે. ખાસ કરીને ગુજરાતમાં મળી આવતા ખરમોરની. અહિયાં નર મોર પોતાની અદાઓથી ઢેલને મનાવવાનો પ્રયત્ન કરતા રહે છે. પોતાની જોડી બનાવવા માટે નર મોર ઉછળકુદ કરે છે, ખાસ પ્રકારના અવાજ કાઢે છે. આ રીતે તે ઢેલને રાજી કરે છે. મોરની સુંદરતાને કારણે એકથી વધુ ઢેલ તેના ઉપર મોહિત થઈ જાય છે. ઢેલ તેની અદાઓ ઉપર ફિદા થઇ જાય છે.

પક્ષીઓ વચ્ચે છુટાછેડાના ઘણા કારણ : પ્રો. યાહયાની રિસર્ચ મુજબ પોલીએંડ્રી અને અમેરીકન મૉકિંગ બર્ડ પક્ષીઓની એવી પ્રજાતિઓ છે જેમાં માદા એકથી વધુ નર સાથે સંબંધ રાખે છે. તેમજ બર્ડ ઓફ પૈરાડાઈઝ પ્રજાતિના પક્ષી પણ એવું કરે છે. એકથી વધુ સાથી સાથે સંબંધને કારણે નર અને માદા વચ્ચે છૂટાછેડા થાય છે.

તેમને એ વાતનો અનુભવ થાય કે તેમણે ખોટા સાથીને પસંદ કર્યા છે, તો પણ તેમની વચ્ચે છુટાછેડા થઇ જાય છે. માદા પક્ષીને જો કોઈ બીજો નર વધુ આકર્ષક લાગે છે, તો પણ માદા પોતાના સાથીને છોડી દે છે. પોતાનો સાથી કોઈ અકસ્માતમાં ઘાયલ થાય તો પણ નર કે માદા પોતાનો પાર્ટનર બદલી લે છે. તેમને નબળા સાથી પસંદ નથી હોતા. માણસની જેમ તે પણ પોતાના જીવન પ્રત્યે સિક્યોરિટી ઈચ્છે છે.

આ માહિતી ટીવી 9 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.